અચૂક વાંચો અને શેર કરો !!
================

એક યુવાન જીંદગીથી કંટાળીને દરિયાકાંઠે બેઠો હતો. વારંવારની નિષ્ફળતાઓને કારણે બધાએ એનો સાથે છોડી દિધો હતો એ હવે સાવ એકલો હતો. “ આ જગતમાં મારુ કોઇ જ નથી” આવો વિચાર આવ્યો ત્યાં તો એના માથા પર કોઇએ પ્રેમથી હાથ ફેરવ્યો. યુવાને ઉંચે જોયુ તો કોઇ અજાણ્યો માણસ હતો. એ માણસે પોતાનો પરિચય આપતા કહ્યુ , “ હું આ જગતનો નિયંતા પરમેશ્વર છું”

યુવાને ગુસ્સો ઠાલવતા કહ્યુ , “ તો તમે અહિંયા મારી પાસે શું કરો છો ? જાવ તમારા મંદિરમાં જઇને બેસો. મારી પાસે તો મારા પોતાના પણ કોઇ નથી તો તમે શું આવ્યા છો.” ભગવાને પ્રેમથી કહ્યુ , “ બેટા, બીજા કોઇ તારા હોય કે ના હોય પણ હું તારો છું અને તું મારો છે અને એટલે જ હું આવ્યો છું. ચાલ ઉભો થા હું તને તારા ઘર સુધી પહોંચાડું”



યુવાનને હવે સારુ લાગ્યુ. એ ઉભો થયો અને ભગવાન સાથે વાતો કરતા કરતા પોતાના ઘર તરફ ચાલ્યો. રાતનો સમય હતો અને થોડુ અંધારુ પણ હતું. બંને વાતો કરતા આગળ ચાલી રહ્યા હતા. યુવાન જુદા-જુદા પ્રશ્નો પુછતો હતો અને પ્રભુ એના ઉતરો આપતા હતા. બંને વચ્ચેની વાત ક્યારે બંધ થઇ ગઇ અને ભગવાન ક્યારે જતા રહ્યા એ યુવાનને ખબર પણ ન પડી. એની આંખ ખુલી તો સમુદ્રકાંઠા પરના પોતાના ઝૂંપડામાં એ એકલો જ હતો.

ભગવાન પર થોડો ગુસ્સો આવ્યો કે મને મુકીને શા માટે ચાલ્યા ગયા હશે. એ ફરીથી કાલ વાળી જગ્યા પર આવ્યો અને ત્યાં ભગવાન સાથે ભેટો થઇ ગયો એટલે ભગવાનને ફરિયાદ કરી , “ કાલ મને એકલો મુકીને કેમ જતા રહ્યા હતા?” ભગવાને કહ્યુ ,” મેં તને એકલો મુકયો જ નથી છેક તારા ઘર સુધી તારી સાથે જ હતો.” યુવાને દલીલ કરતા કહ્યુ , “ ભગવાન થઇને શું ખોટુ બોલો છો. આ જગ્યા પરથી અડધા રસ્તા સુધી જ ચાર પગલા હતા અને અડધે રસ્તેથી માત્ર બે પગલા જ થઇ ગયા. મતલબ કે તમે મને અડધે રસ્તે મુકીને જતા રહ્યા હતા. હું સવારે આ પગલા જોઇને જ આવ્યો છું ચાલો મારી સાથે તમને પણ ખાત્રી કરાવું.”

ભગવાને કહ્યુ , “ બેટા મને સાંભળ તો ખરો. ખાત્રી કરવાની કોઇ જરુર નથી મને ખબર છે કે અડધે સુધી રેતીમાં ચાર પગલાની છાપ છે અને પછી ત્યાથી તારા ઘર સુધી માત્ર બે પગલાની છાપ છે એ એટલા માટે કે અડધા રસ્તે પહોંચ્યા પછી થાકને કારણે તું સુઇ ગયો હતો એટલે મેં તને ઉપાડી લીધો હતો અને તારા ઘર સુધી પહોંચાડ્યો હતો. તને જે બે પગલા દેખાય છે એ તારા નહી મારા છે.”

તમને અને મને આ ધરતીની મુલાકાતે મોકલનારો હંમેશા આપણી સાથે જ હોય છે. હા એટલું ખરુ કે આપણી સાથે હોય ત્યારે હાથમાં શંખ, ચક્ર , ગદા કે પદ્મ નથી હોતા એ આપણા જેવો સામાન્ય માણસ જ હોય છે અને આપણે બીજા રૂપમાં એને શોધ્યા કરીએ છીએ.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 
મારું કામ ગમતું કામ © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top