ટ્રાવેલ - બીજલ વ્યવસાયના લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે કરેલી મહિનાઓ સુધીની મહેનત કે બાળકોને પરીક્ષાની તૈયારી કરાવવી- આ પ્રકારના કામો તમારા શરીર- મનને નિચોવી લેવા માટે પૂરતા છે. થાક ઉતારવાનો અને શક્તિને પાછી મેળવવાનો કોઈ શ્રેષ્ઠ રસ્તો હોય તો તે છે કોઈ રળિયામણા, દૂરના સ્થળની મુલાકાત. આવું એક રળિયામણું સ્થળ છે આંદામાન અને નિકોબાર ટાપુઓ આ શાંત અને સુંદર સ્થળે જહાજ કે વિમાન દ્વારા પહોંચી શકાય છે. લીલું, કાચ જેવું પાણી ધરાવતા સાગરની વચ્ચે આવેલા આ બે ટાપુઓ શાંતિ અને આનંદ આપે છે. અહીં અવનવી દરિયાઈ સૃષ્ટિ, સૂર્યપ્રકાશમાં નહાતા સમુદ્ર-તટ, વિષુવવૃત્તિય જંગલો, નૌકાની સફર, અદ્ભુત સૂર્યાસ્તનું દૃશ્ય, સૂર્યોદય એક અનોખો અનુભવ કરાવે છે. બંગાળના અખાતમાં આવેલા આ ટાપુઓની મુલાકાત માટે ઓક્ટોબરથી મે મહિના સુધીનો સમય શ્રેષ્ઠ છે. ભૂતલમાં થયેલા પ્રચંડ ફેરફારોને કારણે અસ્તિત્વમાં આવેલા આંદામાન- નિકોબાર ટાપુઓ આશ્ચર્યકારક રીતે ગોઠવાયેલા છે. ઈ.સ.૨૦૦૪માં આવેલા સુનામીની વિનાશક અસરો આ ટાપુઓ પર પણ થઈ હતી. જો કે ત્યાંના સત્તાવાળાઓએ ઝડપથી પગલાં લઈને પ્રવાસન- ઉદ્યોગને ફરી સક્રિય કરી નાંખ્યો હતો. વિમાની પ્રવાસ કરીને જતાં લોકોને ત્યાં ઉતરાણ કરતાં પહેલાં જ જે સુંદર દૃશ્યો જોવા મળે છે તે મુલાકાતનો આનંદ અનેકગણો વધારી દે છે. ભૂરી, વિશાળ જળરાશિની મધ્યે તરતા દેખાતા ભૂ-ભાગો,તેમની ધારો પર સુશોભિત વૃક્ષોની હારમાળા એક સુંદર રચનાનો આભાસ કરાવે છે. કુદરતની કૃપાની સાબિતી આપતા વિવિધ રંગી પુષ્પો અને વનરાજી આંખોને ઉજાણી કરાવે તેવા છે. એરપોર્ટથી ટેક્સીમાં પંદરેક મિનિટમાં હોટલ પહોંચાય છે. અહીંના હેવલોક-આયલેન્ડના સૂર્યના સોનેરી રંગમાં નહાતા તટો વિશ્વના પ્રસિદ્ધ સમુદ્રતટોમાં સ્થાન ધરાવે છે. ટૂરીઝમ ગેસ્ટ-હાઉસની નજીકમાં જ‘સમુદ્રિકા’નામનું નેવલ-મરીન- મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં છીપલા, શંખલા, પરવાળા અને વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓનું પ્રદર્શન હોય છે. તેમાં સ્લાઈડ્સ અને નોંધ દ્વારા સમુદ્રના પેટાળનાં ઘણાં ગહન રહસ્યોનું દર્શન કરાવવામાં આવ્યું છે. અહીંના સમુદ્રમાં દરિયાઈ જીવસૃષ્ટિનું પુષ્કળ વૈવિધ્ય જોવા મળે છે. અહીં માછલીની બારેક હજાર જાતિ અને અન્ય જીવોની સેંકડો તેમજ હજારો જાતિ જોવા મળે છે. પરવાળાના ખડકો અહીંનું મોટું આકર્ષણ છે. આ ખડકો દરિયાની જીવસૃષ્ટિના સંવર્ધનમાં મોટો ભાગ ભજવે છે. પરવાળાના ખડકોની આસપાસ વ્હેલ અને ડોલ્ફીન માછલીઓ રમતી જોવા મળે છે. ડોલ્ફીન માછલીઓનું રમતિયાળપણું સૌને અચંબો પમાડે તેવું હોય છે. પોર્ટ-બ્લેરથી બ્રિજ દ્વારા જોડાયેલા એક ટાપુ પર એશિયાની સૌથી મોટી અને જૂની સો-મિલ, ‘મેથમ-સો-મિલ’ આવેલી છે. આંદામાન-નિકોબાર ટાપુઓનો વહાણ લાંગરવાનો બીજાં નંબરનો ધક્કો આ ટાપુ પર આવેલો છે. અહીં વોટર-સ્પોર્ટ્સ અને મરીન પાર્ક છે. હેવલોક- આયલેન્ડ્સ સુધીનો પ્રવાસ ઘણો આહ્લાદક છે. વહેલી સવારે ‘ફિનીક્સ-બે’ પાસેથી એક મોટું વહાણ ઉપડે છે. વહાણના ડેક પરથી ક્ષિતિજ સુધીના દૃશ્યોનું દર્શન રોમાંચક હોય છે. ક્યારેક સપ્તરંગી મેઘધનુષના દર્શન પણ થઈ જાય છે. વહાણની ગતિની સાથે ડોલ્ફીન માછલીઓ પણ પોતાની ગતિ મિલાવતી રહે છે. ઠંડો પવન, ઉછળતા- બેસતા સમુદ્રનાં મોજાં, ક્ષિતિજ પર દેખાતા નાનકડા ટપકાં જેવા ટાપુઓ, આકાશમાં દેખાતા રૂના ઢગ જેવા સફેદ વાદળો અવર્ણનીય અનુભવ કરાવે છે. ટાપુ પર ઊતરીને ચાર કિલોમીટરની મુસાફરી બાદ ડોલ્ફીન ટૂરીસ્ટ કોમ્લેક્સ આવે છે. ટાપુના વિજયનગર બીચ પર ટૂરીઝમનું આ કોમ્લેક્સ આવેલું છે. સમુદ્રમાં ઓટ આવ્યા બાદ કિનારા પર જોવા મળતા અસંખ્ય છીપલા, શંખલા વગેરેનું વૈવિધ્ય નવાઈ પમાડે તેવું વિવિધરંગી હોય છે. અહીં કોટેજીસ સ્તંભો પર બનાવેલા છે. પાણીમાં ઊભેલા વૃક્ષોના ઊંચા થડ, કોટેજીસનું દૃશ્ય એક અનેરું દૃશ્ય બનાવે છે. પૂનમની રાતે સમુદ્રનું દૃશ્ય કુદરતનું એક નવું રૂપ બતાવે છે. રાત્રીના સમયે કાળું દેખાતું સમુદ્રનું પાણી આપણને ‘કાળા પાણીની સજા’ નો અર્થ સમજાવે છે. વહેલી સવારે સૂર્યોદયના દર્શન હૃદયના કવિને જાગૃત કરે તેટલા સુંદર હોય છે. આ દૃશ્યને કેમેરામાં કેદ કરવાનું પ્રલોભન કોઈ ટાળી શકે નહીં. રાધાનગર ખાતે આવેલો સાત નંબરનો બીચ તેના ભૂરા પાણી અને સોનેરી સફેદ રેતીવાળા તટને કારણે વિશ્વના શ્રેષ્ઠતમ બીચમાં સ્થાન પામ્યો છે. તટ પર દેખાતી નિકોબારી કુટિરો મહુવાના વૃક્ષોની છાયામાં સૂર્ય અને વરસાદથી બચીને પોતાનું અસ્તિત્વ જાળવતી જોવા મળે છે. સોનેરી- પીળી રેતીના તટ પર હાથીની સવારી નગરચર્યા કરવા નીકળેલા શહેનશાહની ખુમારી જેવો અનુભવ કરાવે છે. તટ પરની કુટિરો આરામદાયક અને સુવિધાયુક્ત હોય છે, સારું ભોજન, પરિવાર સાથે રહેવાની સુવિધા અને રળિયામણો સમુદ્ર-તટ સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે. થોડે દૂર લીલાછમ ડાંગરના ખેતરો નજરે પડે છે. નાળિયેરીના વૃક્ષો શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અહીંથી સ્પીડ બોટ દ્વારા પોર્ટ- બ્લેર પાછા જવાય છે. માઉન્ટ- હેરિયટની ખીણ પાસે આવેલા નોર્થ- બે ખાતે પરવાળાના ખડકો અને સમુદ્રી- જીવસૃષ્ટિના દર્શન સારી રીતે કરી શકાય છે. પ્રવાસની સીઝનમાં અહીં સારી એવી ગિરદી રહે છે. પરવાળાના ખડકો નાજુક અને બરડ હોવાને કારણે મર્યાદિત હોડીઓને એક સાથે જવાની મંજૂરી આપવામાં આવે છે. દરિયાઈ- સૃષ્ટિના દર્શન વખતે સાથે વસ્ત્રોની એક જોડી અને ટુવાલ લેવા જરૂરી છે. ચશ્મા અને શ્વાસ લેવાની નળી સાથે સ્નોરકેલિંગની સુવિધા અહીં ઉપલબ્ધ છે. જેમને તરતા ના આવડતું હોય તેઓ પણ લાઈફબોય (પાણી પર તરતા રાખે તેવું સાધન) ની મદદથી પાણીમાં તરી શકે છે. સમુદ્રનું પાણી સ્ફટિક જેવું નિર્મળ હોવાને કારણે સમુદ્રના પેટાળમાં વસતી જીવસૃષ્ટિ સ્પષ્ટ પણે જોઈ શકાય છે. સમુદ્રની અંદર એક બીજી દુનિયા વસતી હોય એટલું વૈવિધ્ય ત્યાં જોવા મળે છે. ત્યાંના ગાઈડ ઝીણી વિગતો આપીને પૂર્ણ રસદર્શન કરાવે છે. ઉદાહરણ તરીકે , ક્લેમ- શેલ પર સળ જેવી ડિઝાઈન હોય છે. જ્યારે સી- અર્ચીનના શેલ પર ભાલા જેવી અણીદાર રચના હોય છે. રંગબેરંગી સ્ટાર-ફીશ ઓક્ટોપસ જેવા ટેન્ટેકલ્સને આધારે પરવાળાના ખડક પર ચોટી રહે છે. કાચના તળિયાવાળી નૌકાઓમાંથી પણ આ જીવસૃષ્ટિનું દર્શન કરી શકાય છે. તટ પર નિકોબારી કુટિરમાં કે બહાર મૂકેલી બેન્ચ પર બેસીને સમુદ્રનું દર્શન કરી શકાય છે. નોર્થ- બે ક્ષેત્રમાં પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં લઈને રેસ્ટોરાં વગેરેને મંજૂરી આપવામાં આવતી નથી. તેથી સાથે નાસ્તો રાખવો જરૂરી છે. સમુદ્ર તટ પરથી માઉન્ટ હેરિયટનું ચઢાણ રોમાંચક છે. માર્ગમાં અનેક પ્રકારની અવનવી વિષુવવૃત્તિય વનસ્પતિ જોવા મળે છે. માર્ગમાં એક લાઈટહાઉસ પણ આવે છે. ત્યાંથી સમુદ્રનું દૃશ્ય સુંદર લાગે છે. બસોથી પણ વધુ પગથિયાં ચઢવાનો થાક આ દૃશ્ય જોઈને ઊતરી જાય છે. સમુદ્રનું આસમાની રંગનું પાણી, સૂર્યપ્રકાશથી ચમકતી ક્ષિતિજ, પાણીમાંથી બહાર નીકળેલા વૃક્ષની આકૃતિઓ એક જુદી જ, સુંદર દુનિયાનો અનુભવ કરાવે છે, સાચે જ, આ ટાપુઓનો પ્રવાસ તન-મનનો થાક ઉતારીને નવો ઉત્સાહ અને તાજગી આપે છે. કેવી રીતે પહોંચશો ? કોલકત્તા અને ચેન્નાઈથી એર-રુટ દ્વારા પોર્ટ-બ્લેર પહોંચાય છે. મુંબઈ અને દિલ્હીથી ઊપડતી ફ્લાઈટ્સ પણ છે. અગાઉથી બુકિંગ કરાવવામાં આવે તો એર-જર્નીના ભાડામાં વળતર મળે છે. એરલાઈન્સની વેબસાઈટ પરથી હવે તો બધી જ માહિતી ઉપલબ્ધ બની છે. કોલકત્તા, ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમ્થી પણ પેસેન્જર- શીપ ઉપડે છે. આ પ્રવાસ પચાસથી સાંઠ કલાક લે છે. સુવિધા પ્રમાણે ભાડાંના દરમાં તફાવત હોય છે. એક ટાપુ પરથી બીજાં ટાપુ પર જવા માટે બોટ અને શીપ ર્સિવસ ઉપલબ્ધ છે. પોર્ટ- બ્લેરના સેન્ટ્રલ- બસ સ્ટેન્ડ પરથી રોજની બસ- ર્સિવસ પણ ઉપલબ્ધ છે. સ્થાનિક સ્થળ દર્શન માટે ખાનગી ટૂર- ઓપરેટર્સ છે. અંતર નજીકના હોવાને કારણે મીટર પર ચાલતી ઓટોરિક્ષાઓ પણ સારી રહે છે. આટલું અવશ્ય કરશો * આંદામાનના પ્રવાસે નીકળતા પહેલાં આવવા-જવાની ટિકિટો કન્ફર્મ કરાવી લો. * વિદેશીઓએ ત્યાં ઊતરતા જ સૌ પ્રથમ પરમિટ લેવી જરૂરી છે. ઈમિગ્રેશન- ઓથોરિટીઝ આ પરમિટ આપે છે. * ટાપુ પરના એવા સ્થળોની જ મુલાકાત લો જેની મંજૂરી હોય. * પ્રમાણિત ટૂરિસ્ટ- ગાઈડની જ મદદ લો. * વાહન હંકારતી વખતે સાથે ડ્રાઈવિંગ-લાઈસન્સ, પરમિટ, પાસપોર્ટ વગેર રાખો. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ડાબી બાજુ વાહન હંકારો. * સમુદ્રમાં જતાં પહેલાં જીવન-રક્ષક કર્મચારીઓની સલાહ લો. * સુરક્ષિત, સલામત વિસ્તારમાં જ તરવા જાઓ. * પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નકામી ચીજો કે કચરો ડસ્ટબીનમાં નાંખો. * વસ્ત્ર- પરિધાનમાં મર્યાદા અને સભ્યતા રાખો. * પ્રમાણિત સ્કુબા- ડાઈવ- ઈન્સ્ટ્રક્ટર્સની જ મદદ લો. જેથી જોખમથી બચી શકાય. * અન્ય કોઈ મદદની જરૂર હોય તો ટૂરિસ્ટ પોલીસ પરસોનલનો સંપર્ક કરો. આટલું ના કરશો * રિસ્ટ્રીક્ટેડ કે આદિવાસી વિસ્તારોમાં પ્રવેશ ના કરશો કે ફોટા પાડશો નહીં. * ફિશરીઝ-ડિપાર્ટમેન્ટ કે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનની મંજૂરી વિના શંખ-છીપ વગેરે લેશો નહીં. * બીચ કે ફોરેસ્ટમાં તંબુ વગેરે લગાવીને રાત્રે રહેવાની ચેષ્ટા કરશો નહીં. * જંગલ વિસ્તારમાં આગ સળગાવશો નહીં. * જાહેરમાં નગ્નતા પર પ્રતિબંધ છે તેથી તેમ કરશો નહીં. * મંજૂરી વિના નેશનલ- પાર્ક્સમાં પ્રવેશ ના કરશો. * જીવતા કે મૃત પ્રાણીને ખસેડવાની કે લઈ જવાની ચેષ્ટા ના કરશો. * મૃત કે જીવંત પરવાળાને સ્પર્શશો નહીં કે લઈ ના જશો. * સ્નોરકેલિંગ કે સ્કુબા- ડ્રાઈવિંગ કરતી વખતે પરવાળાના ખડક પર ઊભા ના રહેશો કે દબાણ ના આપશો. * પશુ-પક્ષીનો શિકાર ના કરશો. * મદ્યપાન કર્યા બાદ પાણીમાં ના જશો. .
|