આજે આપણે ટૂંકી વાર્તાઓ ને માણીશું, દરેક વાર્તાના અંતે એક સુંદર બોધ પણ સમાયેલો છે. આપના પ્રતિભાવ બ્લોગ પર મૂકી જરૂર આભારી કરશો ...
પોતાની સેનાથી વિખૂટા પડેલા શિવાજી એવા નિર્જન સ્થાન પર જઈ પહોંચ્યા, જ્યાં દૂર દૂર સુધી વસ્તી દેખાતી ન હતી. સાંજ પડી ગઈ. અંધકાર ફેલાઈ ગયો, ત્યારે થોડેક દૂર દીવાનો ઝાંખો પ્રકાશ દેખાયો. શિવાજી એ તરફ ગયા તો સામે એક ઝૂંપડી જોઈ. એક વૃદ્ધા ઝૂંપડીમાંથી બહાર આવી અને એ અતિથિને અંદર લઈ ગઈ. શિવાજી થાકેલા અને ભૂખ્યા હતા. વૃદ્ધા એમને વ્યાકુળ જોઈને સમજી ગઈ. તેણે પાણી ગરમ કરીને હાથ-પગ ધોવાનું કહ્યું. બેસવા માટે ચટ્ટાઈ પાથરી દીધી. શિવાજી હાથ-પગ મોં ધોઈને આરામથી બેઠા.
થોડી વાર બાદ વૃદ્ધા ગરમાગરમ કોદરી થાળીમાં પીરસીને રાખી ગઈ.
શિવાજીને કકડીને ભૂખ લાગી હતી. તરત જ ખાવા માટે હાથ નાખ્યો કે દાઝીને હાથ પાછો ખેંચીને ઝાટકવા માંડ્યા. વૃદ્ધાએ એ જોયું આને બોલી ઊઠી : ‘તું તો શિવા જેવા સ્વભાવનો લાગે છે.’
શિવાજીએ પૂછ્યું : ‘માતા, તેં શિવા સાથે મારી સરખામણી કઈ રીતે કરી ?’
વૃદ્ધા બોલી : ‘જે રીતે શિવા આસપાસના નાના નાના કિલ્લા જીતવાને બદલે મોટા-મોટા કિલ્લાને જીતવાની ઉતાવળ કરે છે, એમ તુંપણ કિનારી પર ઠંડી થયેલી વાની ખાવાને બદલે વચ્ચેથી મોટો કોળિયો ભરવા જતાં હાથ દઝાડ્યો. બેટા, ઉતાવળે કામ કરવાથી કામ બનતું નથી, બગડે છે. માણસે ઉન્નતી માટે નાનાં નાનાં ડગલાં ભરીને સાવધાની અને ધીરજ સાથે આગળ વધવું જોઈએ. ઉતાવળથી મોટાં મોટાં ડગલાં ભરીને કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત થતું નથી. જે દિવસે શિવા નાના નાના કિલ્લાથી પોતાનું વિજય અભિયાન શરૂ કરશે, ત્યારથી તેણે ક્યારેય પીછે હઠ કરવાની આવશ્યકતા નહીં રહે. અને એક દિવસ એવો આવશે જ્યારે તે એનું મનવાંછિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે.’
શિવાજીએ પેલી વૃદ્ધાની શિખામણ ગાંઠે બાંધી લીધી, પરિણામે તેઓએ ઈતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓનું નામ ભારતના ઈતિહાસમાં મહાન શિવાજી તરીકે લેવાય છે.
લક્ષ્ય સાંસારિક હોય કે આધ્યાત્મિક હોય. એની સાધનામાં ઉતાવળ કરતાં જે ધીરજવાન બની, દઢતાપૂર્વક ધીમે ધીમે આગળ વધે છે એ વ્યક્તિ અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે, જે વ્યક્તિ છલાંગ લગાવીને જલ્દી જીવનલક્ષ્ય પ્રાપ્ત કરવાની ઉતાવળ કરે છે, ઘણુંખરું પોતાની સાધનામાં અસફળ થાય છે, ઉપહાસને પાત્ર બની જાય છે.
(૨) ગુરુ રામદાસ ..
સમર્થ ગુરુ રામદાસ સ્વામી શિવાજી ના ગુરુ હતા.
એક વખત શિવાજી તેમના ગુરુ સાથે એક પહાડ ની ટેકરી ઉપર ઉભા હતા અને ગુરુ એક પત્થર પર આસાન લગાવી બેઠા હતા. ગુરુ તો સમર્થ હતા, તેણે અનુભવ્યું kએ શિવાજી ની જીત થવાથી તેના ભાવમાં થોડો ફેરફાર જણાયો ... શિવાજી ના મનમાં ભાવ એવા હતા કે હું લોકોનો પાલનહાર છું અને આ બધી પ્રજાનું હું પાલન કરું છું. સમર્થ ગુર રામદાસ શિવ્જએના મનના એ ભાવ પામી ગયા. તેમણે વિચાર્યું કે શિવાજી ને અત્યારથી તે બાબત અવગત કરાવી જોઈએ કે હકીકત શું છે ?
તેમણે શિવાજી ને તેની પાસે બોલાવ્યા અને કહ્યું કે બેટા જા સામે પેલો પત્થર પડ્યો છે તે જરા ઊંચકી ને બાજુ એ ખસેડી મૂક. શિવાજી એ ગુરુજી ની આજ્ઞાનું પાલન કરવા પત્થર ઊંચકવાની કોશિશ કરી અને બહુ મેહનત બાદ તે ખસેડી શક્યા. પત્થર ખસેડતા નીચે ઊંડા ખાડામાં પત્થર નીચિથી અનેક નાના જીવો જોવા મળ્યાં... ગૃરુજી એ શિવાજીને તે બતાવતા કહ્યું કે શિવા આ બધા જીવનું પાલન પણ તું જ કરે છે ? શિવાજીને તેની ભૂલ તરત સમજાઈ ગઈ અને તેણે ગુરુની માફી માંગી...
આવા હતા તેમના સમર્થ ગુરુ ...
(૩) સમજણ ...
એક માણસને ચાર પુત્ર હતા. તે ઈચ્છતો હતો કે તેના પુત્રો શીખે કે કોઈના વિષય કે વસ્તુ વિશે ઝડપથી અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેથી તેણે પોતાના દરેક પુત્રને વારાફરતી દૂર દેશમાં આવેલું એક ‘પૅર’નું વૃક્ષ શોધી કાઢવાની યાત્રા પર મોકલ્યા. પહેલો પુત્ર શિયાળામાં ગયો. બીજો પુત્ર વસંતઋતુમાં, ત્રીજો ઉનાળામાં અને ચોથો સૌથી યુવાન પુત્ર પાનખરમાં નીકળ્યો.
તેઓ બધા જઈને પાછા ફર્યા એટલે તેણે બધાને એકસાથે બોલાવ્યા અને પોતાના અનુભવો વર્ણવવા કહ્યું. પહેલા પુત્રે કહ્યું : ‘‘પૅરનું’ ઝાડ કદરૂપું, વાંકું વળેલું અને વાંકુંચૂકું હતું.’ બીજા પુત્રે કહ્યું : ‘ના, એ તો લીલી કળીઓથી અને આશાથી ભર્યુંભર્યું હતું. ત્રીજો પુત્ર કહે : ‘હું તમારા બંન્નેથી સહમત નથી. પૅરનું વૃક્ષ તો સુંદર, સુગંધિત પુષ્પોથી લદાયેલું હતું અને એનું સૌંદર્ય અદ્દભુત અને અનુપમ હતું, જે શબ્દોમાં વર્ણવી શકાય નહીં.’ સૌથી યુવાન પુત્રે આ બીજા કોઈ ભાઈ સાથે સહમત ન થતા કહ્યું, ‘એ તો પાકટ વૃક્ષ હતું, જે ફૂલોથી ભરેલું અને જીવનના અને સંતોષના પ્રતીકસમું હતું.’
માણસે પોતાના બધા પુત્રોને કહ્યું કે તેઓ બધા પોતપોતાની રીતે સાચા હતા, કારણ કે તેમણે દરેકે તે વૃક્ષની એક ઋતુ જ જોઈ હતી. તેણે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, કે એ વૃક્ષ વિશે કે પછી કોઈ મનુષ્ય વિશે પણ તેની ફક્ત એક બાજુ જોઈને અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેમના હોવાનો અર્થ કે સુખ, દુ:ખ, પ્રેમ જેવી લાગણી, જે તેમના જીવનમાં આવે છે તેનું માપ કે સરવૈયું તેમના જીવનના અંતે જ કરી શકાય, જ્યારે બધી ઋતુઓ પૂરી થઈ ગઈ હોય. જો તમે શિયાળામાં હિંમત હારી જશો, તો વસંતની આશા અને વસંતનું વચન ચૂકી જશો. ઉનાળાનું સૌંદર્ય અને પાનખરની સંતુષ્ટતા, પૂર્ણતા પામી શકશો નહીં.
સાર : ફક્ત એક ઋતુની વેદનાને બાકીની ઋતુઓના આનંદનો નાશ કરવા દેશો નહીં. જીવનને ફકત એક વિકટ ઋતુ દ્વારા મૂલવશો નહીં. મુશ્કેલીના સમયગાળામાં ટકી રહેશો તો સુખના સારા દિવસો પાછળથી જરૂર આવશે જ.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો