મેં જોઇ લીધી બાગમાં દુનિયા બહારની,
વસ્તી છે ફૂલ કરતાં વધારે તુષારની…
આ જીંદગી તો એના વિના કઇ રીતે વીતે,
ઘડીઓ વીતી રહી છે ફક્ત ઇન્તેજારની…
આ દિલનો મામલો છે, કોઇ ખેલ તો નથી,
બાજી નહીં હું માની શકું એને પ્યારની…
આધારની તલાશ છે મુખ ફેરવો નહીં,
ઓ દોસ્તો, આ શોધ નથી કંઇ શિકારની…
અહિંયા ઉજાગરાની નયનમાં રતાશ છે,
ને આભમાં છવાય છે લાલી સવારની…
એથી વિશેષ તેજ સિતારામાં હોય શું,
શોભા બની રહ્યાં છે ફક્ત અંધકારની…
મનમાં હસી રહ્યો છું હું એની દયા ઉપર,
જેણે દીધી છે ભેટ મને અશ્રુધારની…
થોડી અસર જુદાઇની એનેય જો હોતે,
થઇ ગઇ હોતે અમારી મુલાકાત ક્યારની…
જાણે મરી જવું એ અહીં એક ગુનાહ છે,
બેફામ એમ કેદ મળી છે મઝારની…
- બરકત વિરાણી ‘બેફામ’

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 
મારું કામ ગમતું કામ © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top